ગીર ગાય ની શારીરિક લાક્ષણિકતાઓ

  • ગીર ગાયનું વજન ૪૦૦ થી ૪૨૫ કિગ્રા જયારે નંદી નું વજન ૫૨૫ થી ૫૫૦ કિગ્રા હોય છે; અને તાજા જન્મેલા વાછરનું વજન ૨૦ થી ૨૫ કિગ્રા હોય છે.
  • ગીર ગાય ના શરીર નો રંગ પીળાશ પડતા લાલ રંગથી માંડીને ઘેરો લાલ રંગ, લાલ રંગ, સફેદ ધબ્બા / ટપકાં, તેમજ બદામી ધબ્બા / ટપકાં વાળો જોવા મળે છે. મોટા ભાગ ની ગીર ગાયો લાલ રંગની જોવા મળે છે.ગીર ગાયો ના આસપાસ ના વિસ્તાર ની ગયો સાથેના સંકર થી સૌરાષ્ટ્ર ના અન્ય વિસ્તારો માં ગીર ગયો ના રંગ માં વિવિધતા જોવા મળે છે, જેમ કે – જૂનાગઢ ના આસપાસસ ના વિસ્તાર ની ગાયો આછા લાલ કે ઘાટ લાલ રંગની હોય છે; તથા રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લા ની ગાયોના શરીર પર લાલ રંગ માં સફેદ ટપકાં જોવા મળે છે. રિસર્ચથી જોવા મળ્યું છે કે શરીર ના રંગ અને દૂધ ઉત્પાદન ક્ષમતા એક સંબંધ ધરાવે છે. જેના પરિણામે અલગ-અલગ રંગ ની ગાયો ની દૂધ ઉત્પાદન ક્ષમતા અલગ-અલગ જોવા મળે છે. સ્થાનિક ભાષા માં રંગ ના આધારે ગીર ગયો જુદા-જુદા નામે ઓળખાય છે, જેમ કે – ગડકડી, કાબરી, માકડી, બાવળી, ગૌરી, પિંગળ, સુવર્ણ કપિલા, લીલડી, બગલી, તેલામી, વિગેરે.
  • ગીર ગાય ની લંબાઈ સામાન્યતઃ ૧૨૭ સેમી થી ૧૩૭ સેમી; ઊંચાઈ સામાન્યતઃ ૧૨૫ સેમી થી ૧૩૨ સેમી; અને છાતી નો ઘેરાવો સામાન્યતઃ ૧૬૬ સેમી હોય છે.
  • ગીર ગાય નું માથું ભરાવદાર, ઉપસેલા અને ઊંધા માંટલા જેવું બહિર્ગોળ અને વજનદાર હોય છે. ઉપસેલા માથાના ભાગ નીચે મગજ અને પિટ્યૂટરી ગ્રંથિ આવેલી હોય છે. પિટ્યૂટરી ગ્રંથિ પ્રજનન અને શારીરિક વિકાસના અંતસ્રાવોનો સ્ત્રાવ કરે છે.
  • ગીર ગાય ના કાન એની એક આગવી વિશેષતા છે. શીંગડાના મૂળને અડીને બહાર આવતા કાન લાંબા અને નીચેની બાજુ લટકતા રહે છે. ગીર ગાય ના કાન સમસ્ત ગૌવંશ માં સૌથી લાંબા હોય છે, જેની લંબાઈ લગ્ભહ ૩૦ સેમી જેટલી હોય છે. કાન ના છેડે ખાંચ હોય છે તથા કાન ની છેડે ની અણી અંદરની તરફ વાળેલી હોય છે. કેટલીક ગીર ગાયો ના કાન ભૂંગળાંની જેમ વળેલા હોય છે.
  • ગાય ની આંખનો આકાર બદામ જેવો હોય છે અને પોપચાંથી ઢંકેયેલી હોય છે. આંખ પરથી જ ગાય સૌમ્ય અને શાંત જણાય છે. આંખ ની આજુ-બાજુ ની ચામડી ખુબ ઢીલી હોય છે. ભારે માથું આંખો ને ઝીણી બનાવી દેતા હોઈ, આ નસલ સુસ્ત જણાય છે.
  • ગાય ના શીંગડા વૈવિધ્યપૂર્ણ હોય છે. સહેજ જાડા, માથાની પાછળ ના ભાગે હોય છે અને માથાની પાછળ નીચેની તરફ અને પછી પાછળની તરફ વળાંક લે છે, ત્યાર બાદ થોડા ઉપર ની તરફ વળે છે. આર્ચ-ગોળાકાર કામણ બનાવતા શીંગડા ગીર ગાય ની એક વિશેષ પહેચાન છે. ગીર એ એકમાત્ર નસલ છે જેના શીંગડા નાથની નીચેની તરફ નીકળતા હોય છે.રિસર્ચ સાબિત કરે છે કે શીંગડાના આકાર અને દૂધ ઉત્પાદન ક્ષમતા એક-મેક સાથે જોડાયેલા છે.
  • અડાણ નો આકાર, કદ અને ગુણવત્તા શ્રેષ્ઠ દુધાળ ગાય માટે મહત્વ ની બાબત છે. અડાણ ની રચના તેમાં વધુમાં વધુ દૂધ ભરવા અને તે ઓછામાં ઓછા નીચે લટકે એમ હોય છે. દરેક ગાય ની જેમ ગીર ગાય ને પણ ચાર આંચળ હોય છે. આગળ ના આંચળ એ પાછળ ના આંચળ કરતા મોટા હોય છે. આંચળ ના છેડે આવેલ રીંગ દૂધ ને આંચળમાંથી ટપકતું તેમજ જીવનું ને આંચળ માં પ્રવેશતા અટકાવે છે.
  • ગીર ગાય ની મુલાયમ અને ઢીલી ચામડી કોઈ પણ જગ્યાએથી સંકોચાય એવી હોય છે. ચામડી ની નીચેની પ્રસ્વેદ ગ્રંથિના લીધે ગાય ના શરીરે પરસેવો વળે છે. ચામડી ની રચના ગાય ને બહારી જીવજંતુઓ તથા કીટકો સામે સુરક્ષા આપે છે.
  • સ્વભાવે શાંત, માયાળુ, અને સૌમ્ય ગીર ગાય સરળતાથી કાબુ માં કરી શકાય છે. ગીર ગાય ને ગોદડી, માથાની આજુ-બાજુ, અને પાગ ની વચ્ચે ના ભાગ માં પ્રેમથી પસારવાનું પસંદ કરે છે, જેના લક્ષણો સ્વાભાવિક રીતે ગાય ની પાસે જઈને અનુભવી શકાય છે. અવાર-નવાર પસારવાથી ગૌપાલક ગાય સાથે એક વિશ્વાસ ઉભો કરે છે. આ વિશ્વાસે ઘણા માલધારીઓ ગાયો ને પગે બાંધ્યા વગરજ દોહતા હોય છે.